Rio ટેનિસમાં સાનિયા-પ્રાર્થનાની જોડી પહેલા જ રાઉન્ડમાં હારી
રિયો ઓલિમ્પિકનો પહેલો દિવસ ભારત માટે મોટાભાગે નિરાશાજનક રહ્યો. તમામ કોશિશ કરવા છતાં કોઈ ખેલાડી પદક નજીક જઈ શક્યો નહીં. શૂટિંગમાં જીતૂ રાય, ટેનિસમાં સાનિયા મિર્ઝા અને વેઈટલિફ્ટિંગમાં સૈખોમ મીરાબાઈ ચાનૂએ નિરાશ કર્યા. આ બાજુ ભારતની ટોચની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા પણ પોતાની જોડીદાર પ્રાર્થના થોંબારે સાથે રિયો ઓલિમ્પિક 2016ના પહેલા રાઉન્ડમાં જ હારી જતા સ્પર્ધાની બહાર થઈ ગઈ.
સાનિયા-પ્રાર્થનાની જોડીને મહિલા યુગલ વર્ગના પહેલા રાઉન્ડના મુકાબલામાં શુઆઈ પેંગ અને શુઆઈ ઝાંગની ચીની જોડીએ ત્રણ સેટો 7-6, 5-7, 7-5થી હરાવ્યાં. સાનિયા અને પ્રાર્થનાની જોડીએ પહેલા સેટથી જ સંઘર્ષ કરવો પડ્યો હતો. ભારતીય જોડીએ 70 મિનિટના કપરા સંઘર્ષ બાદ સેટ ટાઈબ્રેકર સુધી ખેંચવામાં સફળતા મેળવી હતી પરંતુ ટાઈ બ્રેકરમાં તેઓ પોતાની લય જાળવી શક્યા નહતાં.
પહેલો સેટ ખોયા બાદ સાનિયાએ વાપસી કરી અને બીજા સેટમાં જીત મેળવી મેચને રોમાંચક બનાવી. જો કે ચીની જોડીએ ત્રીજા અને નિર્ણાયક સેટમાં સાનિયા-પ્રાર્થનાને જોરદાર ટક્કર આપી અને છેલ્લે મેચમાં જીત હાંસલ કરી બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો. સાનિયા-પ્રાર્થનાએ જો કે બે કલાક 44 મિનિટ સુધી ચીની જોડીને આકરા સંઘર્ષ માટે મજબૂર કરી દીધી હતી.
આ બાજુ પેસ અને બોપન્ના પણ પુરુષ ડબલ્સના પહેલા રાઉન્ડમાં જ બહાર થઈ જતા ભારતને નિરાશા થઈ. ભારતીય જોડીને પોલેન્ડના લુકાસ કુબોટ અને મારસિન માટકોવ્સકીની જોડીએ માત આપી. પોલેન્ડની જોડીએ એક કલાક 24 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં ભારતીય જોડીને 6-4, 7-6થી હરાવી. પેસ અને બોપન્નાએ પહેલા સેટમાં ફક્ત 32 મિનિટમાં જ સરન્ડર કરી દીધુ હતું. પોલેન્ડની જોડીએ 52 મિનિટમાં બીજો સેટ જીતી ભારતીય જોડીને ઓલિમ્પિકમાંથી બહાર કરી હતી.
સૌજન્ય Sandesh