શનિવાર, 13 ઑગસ્ટ, 2016

જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે


જીવનને આંગણે તારી જુદાઇમાં લીલા
દિવસ કે રાત હોય બન્ને ઉદાસ આવે છે
ને વરસો વિત્યાં છતાં પણ કિનારે તાપીના
હજીય શ્વાસની તારા સુવાસ આવે છે.
જુવાની મહોબ્બતના દમ લઇ રહી છે
મને દિલની ધડકન ખબર દઇ રહી છે
પ્રણય રૂપ ના રંગ જોવાને માટે
બધાની નજર એ તરફ થઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે
કમલ જેવાં કરમાં એ પુસ્તક ઉઠાવી
પ્રણય ઉર્મીઓ મનની મનમાં સમાવી
મનોભાવ મુખ પર ન દેખાય તેથી
અદાથી જરા ડોક નીચી નમાવી
મને અવનવી પ્રેરણા દઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે
છે લાલી માં જે લચકતી લલીતા
ગતી એવી જાણે સરકતી સરીતા
કલાથી વિભુષીત કલાકાર માટે
કવિતા જ સુંદર બનીને કવિતા
પ્રભુની પ્રભા ની ઝલક દઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે
ન સુરમો, ન કાજલ, ન પાવડર ન લાલી
છતાંય એની રંગત છે સૌ માં નિરાલી
બધી ફેશનેબલ સખીઓ ની વચ્ચે
છે સાદાઇ માં એની જાહોજલાલી
શું ખાદીની સાડી મજા દઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે
સરળથી ય સરળ છે એની સરળતા
નથી શબ્દ સમજાવવા કોઇ મળતા
લખું તોય લખતાં ન કાંઇ લખાયે
શમી જાય છે ભાવ હૈયે ઉછળતાં
અજબ મારા મનની દશા થઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે
ભલા કોણ જાણે કે કોને રિઝવવા
અને કોના દિલની કળીને ખિલવવા
એ દરરોજ બે-ચાર સખીઓની સાથે
એ જાયે છે ભણવા કે ઉઠાં ભણવવા
ન સમજાય તેવી કલા થઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે
કોઇ કહે છે જાય છે ચિત્રો ચિતરવા
કહે છે કોઇ જ્ઞાન ભંડાર ભરવા
કોઇ કેમ સમજે આ બાબતને ‘આસીમ’
અધુરાં પ્રણય પાઠ ને પુર્ણ કરવા
એ દરરોજ ભણતરનાં સમ લઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે.

-આસિમ રાંદેરી

નયન ને બંધ રાખીને…….

નયન ને બંધ રાખીને…….

અશ્રુ વિરહ ની રાતના ખાળી શક્યો નહી,
પાછા નયનના નૂરને વાળી શક્યો નહી,
હૂ જેને કાજ અંધ થયો રોઈ રોઈ ને…
આવ્યા ત્યારે તેમને નહાળી શક્યો નહી….!!

નયન ને બંધ રાખીને મે જ્યારે તમને જોયા છે..
તમે છો તેના કરતા પણ વધારે મે તમને જોયા છે….!!!
નયન ને બંધ રાખીને…….
રુતુ એક જ હતી પણ રંગ નહતો આપણો એક જ,
મને સહેરા એ જોવો છે બહારે તમને જોયા છે,
તમે છો તેના કરતા પણ વધારે મે તમને જોયા છે….!!!
નયન ને બંધ રાખીને…….
પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઈ
રાત વીતી ગઈ…રાત વીતી ગઈ…
પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઈ..
નહી તો મે ઘણી વેળા સવારે તમને જોયા છે…
નયન ને બંધ રાખીને…….
હકીકતમા જોઉ તો એક સપ્નુ હતુ મારુ..
સપ્નુ હતુ મારુ….સપ્નુ હતુ મારુ….સપ્નુ હતુ મારુ……
હકીકતમા જોઉ તો એક સપ્નુ હતુ મારુ..
ખુલી આંખે મે મારા ઘરના દ્વારે તમને જોયા છે..
તમે છો તેના કરતા પણ વધારે મે તમને જોયા છે….!!!
નયન ને બંધ રાખીને…….
નહીતર આવી રીતે તરે નહી લાશ દરીયા મા…
નહીતર આવી રીતે તરે નહી લાશ દરીયા મા…
મને લાગે છે કે આણે કીનારે તમને જોયા છે..
તમે છો તેના કરતા પણ વધારે મે તમને જોયા છે….!!!
નયન ને બંધ રાખીને મે જ્યારે તમને જોયા છે..
તમે છો તેના કરતા પણ વધારે મે તમને જોયા છે….!!!
નયન ને બંધ રાખીને…….

થાય સરખામણી

થાય સરખામણી

થાય સરખામણી તો ઊતરતા છીએ,તે છતાં આબરુને દીપાવી દીધી,
એમના મહેલ ને રોશની આપવા ઝૂંપડી પણ અમારી જલાવી દીધી.
ઘોર અંધાર છે આખી અવની ઉપર,તો જરા દોષ એમાં અમારોય છે,
એક તો કંઈ સિતારા જ નહોતા ઊગ્યા, ને અમે પણ શમાઓ બુઝાવી દીધી.
બીક એક જ બધાને હતી કે અમે ક્યાંક પહોંચી ન જઈએ બુલંદી ઉપર,
કોઈએ પીંજરાની વ્યવસ્થા કરી, કોઈએ જાળ રસ્તે બિછાવી ડીધી.
કોઈ અમને નડ્યા તો ઊભા રહી ગયા,પણ ઊભા રહી અમે ના કોઈ ને નડ્યા,
ખુદ અમે તો ન પહોંચી શક્યા મંઝિલે, વાટ કિંતુ બીજાને બતવી દીધી.
કોણ જાણે હતી કેવી વર્ષો જૂની જિંદગીમાં અસર એક તનહાઈની?
કોઈએ જ્યાં અમસ્તું પૂછ્યું, ‘કેમ છો’, એને આખી કહાણી સુણાવી દીધી.
દિલ જવા તો દીધું કોઈન હાથમાં,દિલ ગયા બાદ અમને ખરી જાણ થઈ,
સાચવી રાખવાની જે વસ્તુ હટી, એ જ વસ્તુ અમે તો લૂંટાવી દીધી.
જીવતાં જે ભરોસો હતો ઈશ પર,એ મર્યા બાદ્ ‘બેફામ’ સાચો પડ્યો,
જાત મરી ભલે ને તરાવી નહીં,લાશ મારી પરંતુ તરાવી દીધી.

-‘બેફામ’


તારી આંખનો અફીણી

તારી આંખનો અફીણી


તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો .
આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો,
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો,
તારી મસ્તીનો મતવાલો આશક એકલો.
પાંખોની પરખે પરબડી, આંખો જુએ પિયાવો
અદલ બદલ તનમનની મોસમ, ચાતકનો ચકરાવો
તારા રંગનગરનો રસિયો નાગર એકલો.

-વેણીભાઈ પુરોહિત


જ્યાં જ્યાં નજર મારી ઠરે

જ્યાં જ્યાં નજર મારી ઠરે

જ્યાં જ્યાં  નજર મારી  ઠરે યાદી ભરી  ત્યાં આપની
આંસુ  મહીંયે   આંખથી   યાદી  ઝરે   છે આપની
માશૂકોના ગાલની લાલી મહીં લાલી  અને જ્યાં જ્યાં
ચમન   જ્યાં જ્યાં ગુલો   ત્યાં ત્યાં નિશાની આપની
જોઉં  અહીં  ત્યાં  આવતી દરિયાવની  મીઠી  લહર,
તેની  ઉપર ચાલી  રહી   નાજુક સવારી  આપની!
તારા  ઉપર  તારા  તણાં  ઝૂમી રહ્યાં   જે  ઝૂમખાં,
તે   યાદ  આપે   આંખને   ગેબી  કચેરી આપની!
આ   ખૂનને   ચરખે   અને   રાતે  અમારી ગોદમાં,
આ દમ-બ-દમ  બોલી રહી  ઝીણી સિતારી આપની!
આકાશથી  વર્ષાવતા   છો  ખંજરો દુશ્મન   બધા;
યાદી  બનીને   ઢાલ  ખેંચાઈ   રહી   છે આપની!
દેખી બૂરાઈ  ના  ડરું  હું,  શી  ફિકર  છે પાપની?
ધોવા   બૂરાઈને   બધે   ગંગા   વહે   છે આપની!
થાકું  સિતમથી હોય  જ્યાં ના  કોઈ ક્યાંયે આશના;
તાજી  બની  ત્યાં ત્યાં  ચડે  પેલી શરાબી આપની!
જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં ત્યાં મિલાવી હાથને,
અહેશાનમાં દિલ ઝૂકતું,  રહેમત  ખડી ત્યાં આપની!
પ્યારું  તજીને   પ્યાર   કોઈ  આદરે છેલ્લી   સફર:
ધોવાઈ  યાદી   ત્યાં  રડાવે   છે જુદાઈ   આપની!
રોઉં  ન કાં  એ  રાહમાં  એ  બાકી રહીને  એકલો?
આશકોના    રાહની     જે    રાહદારી આપની!
જૂનું   નવું   જાણું   અને   રોઉં   હસું  તે  તે  બધું:
જૂની નવી  ના   કાંઈ  તાજી   એક યાદી  આપની!
ભૂલી  જવાતી   છો   બધી  લાખો કિતાબો  સામટી:
જોયું  ન   જોયું  છો  બને  જો  એક  યાદી આપની!
કિસ્મત  કરાવે   ભૂલ   તે  ભૂલો   કરી નાખું  બધી;
છે  આખરે  તો  એકલી  ને   એ  જ   યાદી આપની!

-સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ ‘કલાપી’

પાન લીલું જોયું

પાન લીલું જોયું

–હરિન્દ્ર દવે

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં.
ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ,
એક તારો ટમકયો ને તમે યાદ આવ્યાં.
જરા ગાગર ઝલકી ને તમે યાદ આવ્યાં,
જાણે કાંઠા તોડે છે કોઈ મ્હેરામણ રામ,
સ્હેજ ચાંદની છ્લકી ને તમે યાદ આવ્યાં.
કોઈ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે કાનુડાના મુખમાં ભ્રમાંડ દીઠું રામ,
કોઈ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં.
કોઈ આંગણ અટક્યુ ને તમે યાદ આવ્યાં,
જાણે પગરવની દુનિયામાં શોરે થયો રામ,
એક પગલુ ઊપડ્યું ને તમે યાદ આવ્યાં.