12 વર્ષ બાદ ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમનો વિજય, સોમવારે જર્મની સામે મેચ
રિયો ડી જાનેરોઃ ભારતીય મેન્સ હોકી ટીમે ઓલિમ્પિકમાં 12 વર્ષ બાદ પ્રથમ શનિવારે પોતાનો વિજય મેળવ્યો હતો. અગાઉ ભારતે 2004માં એથેન્સ ખાતે યોજાયેલી ઓલિમ્પિકમાં વિજય મેળવ્યો હતો. ભારતીય ટીમે પૂલ-બીના મુકાબલામાં આયર્લેન્ડને 3-2થી પરાજય આપ્યો હતો. મેચના તમામ પાંચ ગોલ પેનલ્ટી કોર્નર દ્વારા થયા હતા. ટીમ હવે સોમવારે જર્મની સામે ટકરાશે. અન્ય એક મેચમાં આર્જેન્ટિના અને નેધરલેન્ડ્સનો મુકાબલો 3-3થી ડ્રો રહ્યો હતો.
અંતિમ એક મિનિટમાં ચાર કોર્નર
ભારતીય ટીમ પહેલા ક્વાર્ટરમાં સમગ્ર રીતે વર્ચસ્વ જમાવ્યું હતું. 14 મિનિટ સુધી બંને ટીમો ગોલ કરી શકી નહોતી. અંતિમ એક મિનિટમાં ભારતે ખૂબ જ આક્રમક પ્રદર્શન કરીને ચાર કોર્નર હાંસલ કર્યા હતા. ચોથા કોર્નર પર વીઆર સુધીનાથે ગોલ કરીને ટીમને 1-0થી લીડ અપાવી હતી. બીજા ક્વાર્ટરમાં બંને ટીમો વચ્ચે સારી ટક્કર જોવા મળી હતી. આયર્લેન્ડે આ ક્વાર્ટરમાં ત્રણ જ્યારે ભારતે બે કોર્નર મેળવ્યા હતા. 27મી મિનિટમાં રુપિન્દર પાલ સિંહે કોર્નર પર ગોલ કરીને ટીમને 2-0થી આગળ કરી દીધી હતી. મેચના ત્રીજા ક્વાર્ટરમાં આયર્લેન્ડે બે પેનલ્ટી કોર્નર હાંસલ કર્યા હતા. 45મી મિનિટમાં જોન જર્મેને ગોલક રીને સ્કોર 1-2 કરી દીધો હતો. ચોથા ક્વાર્ટરમાં ટીમે ફરીથી પુનરાગમન કર્યું હતું. 49મી મિનિટમાં પેનલ્ટી કોર્નર પર રુપિન્દરે પોતાનો બીજો ગોલ કરીને ટીમને 3-1થી લીડ અપાવી હતી. ત્યાર બાદ 55મી મિનિટે પેનલ્ટી પર કોનોર હાર્ટેએ ગોલ કરીને સ્કોર 2-3 કરી દીધો હતો.
ટેનિસમાં પેસ 48 કલાકમાં જ આઉટ
ભારતનો સૌથી અનુભવી ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ 48 કલાકની અંદર જ રિયો ઓલિમ્પિકમાંથી બહાર થઇ ગયો છે. ટેનિસ મેન્સ ડબલ્સમાં પેસ અને રોહન બોપન્નાની જોડીને પ્રથમ રાઉન્ડમાં જ પરાજયનો સામનો કરવો પડ્યો હતો. પેસ અને બોપન્નાને પોલેન્ડના લુકાસ કુબોટ તથા માર્સિન માત્કોવસ્કીએ એક કલાક 24 મિનિટમાં 6-4, 7-6 (8-6)થી પરાજય આપ્યો હતો. આ સાથે બીજા મેડલ સાથે ઓલિમ્પિકમાંથી વિદાય લેવાની પેસે સેવેલી આશા પર પાણી ફરી વળ્યું હતું. 43 વર્ષીય પેસ અને બોપન્ના વચ્ચે કોર્ટ પર કોઇ તાલમેલ જણાતો નહોતો.
મૌમા-મનિકાની સફરનો અંત
ટેબલટેનિસ ખેલાડી મૌમાદાસના ઓલિમ્પિક અભિયાનનો પ્રથમ રાઉન્ડમાં અંત આવી ગયો હતો. ભારતની અનુભવી ખેલાડી મૌમાનો રોમાનિયાની ઉચ્ચ ક્રમાંકિત ડેનિયેલા ડોડિન મોન્ટિરો સામે વિમેન્સ સિંગલ્સના પ્રથમ રાઉન્ડમાં 2-11, 7-11, 7-11, 2-11થી પરાજય થયો હતો. એથેન્સમાં 12 વર્ષ પહેલાં ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરનાર મૌમા પાસે રોમાનિયન ખેલાડીની આક્રમક રમતનો કોઇ જવાબ નહોતો. અન્ય ભારતીય ખેલાડી મનિકા બત્રાનો પોલેન્ડની કતારયના ગર્બોવસ્કા સામે 12-10, 6-11, 12-14, 11-8, 4-11, 12-14થી પરાજય થયો હતો.
સૌજન્ય : divybhaashkar