રિયો ડી જેનેરો - અહીં રમાતી ઓલિમ્પિક ગેમ્સમાં આજે મહિલાઓની ફ્રીસ્ટાઈલ કુસ્તીમાં હરિયાણાના રોહતકની સાક્ષી મલિકે ભારતને કાંસ્ય ચંદ્રક અપાવ્યો છે. આ સાથે રિયો ઓલિમ્પિક્સમાં મેડલ્સની યાદીમાં છેક 12મા દિવસે ભારતનું ખાતું ખૂલ્યું છે.
23 વર્ષીય સાક્ષી મલિકે 58 કિ.ગ્રા. વર્ગમાં કાંસ્ય ચંદ્રક મુકાબલામાં કિર્ગિસ્તાનની ઐસૂલૂ તાઈબેકોવાને 8-5થી હરાવી દીધી હતી. ઓલિમ્પિક્સમાં મહિલાઓની કુસ્તીમાં ભારતે આ પહેલી જ વાર ચંદ્રક મેળવ્યો છે.
ઓલિમ્પિક્સમાં ભારતનો આ 25મો ચંદ્રક છે. રિયો ઓલિમ્પિક્સમાં મેડલ્સ યાદીમાં ખાતું ખોલાવનાર ભારત 70મો દેશ છે.
રિયો ઓલિમ્પિક્સમાં મેડલોની યાદીમાં ખાતું ખોલાવનાર ભારત પ્રથમ દક્ષિણ એશિયાઈ દેશ બન્યો છે.
ઓલિમ્પિક્સમાં ભારતને વ્યક્તિગત ચંદ્રક અપાવનાર સાક્ષી મલિક માત્ર ચોથી મહિલા અને ચોથી પહેલવાન છે.
અન્ય ત્રણ ખેલાડી છે - કર્ણમ મલ્લેશ્વરી -વેઈટલિફ્ટિંગ, 2000 સિડની ઓલિમ્પિક્સ, (કાંસ્ય), સાઈના નેહવાલ - બેડમિન્ટન, 2012 લંડન ઓલિમ્પિક્સ (કાંસ્ય), એમ.સી. મેરી કોમ - બોક્સિંગ, 2012 લંડન ઓલિમ્પિક્સ (કાંસ્ય).
ભારતને ઓલિમ્પિક્સમાં કાંસ્ય ચંદ્રક અપાવનાર અન્ય ત્રણ પહેલવાન છે - કર્ણમ મલ્લેશ્વરી, સુશીલ કુમાર (કુસ્તી) અને યોગેશ્વર દત્ત (કુસ્તી).
સાક્ષીએ સાત કલાકમાં પાંચ કુસ્તી ખેલીને ચાર જીતીને કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. એણે
પાંચમાંની ચાર કુસ્તી છેલ્લી 10 સેકંડમાં જ જીતી હતી.
સાક્ષી મલિક રીપચેજ રાઉન્ડમાં મોંગોલિયાની ઓર્ખોનને 12-3થી હરાવી હતી.
સાક્ષી મલિકની કાંસ્યચંદ્રક જીતને વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને બિરદાવી.
સાક્ષી એ પહેલાં ક્વોર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યા બાદ ત્યાં રશિયાની પહેલવાન વેલેરિયા કોબ્લોવા સામે 2-9 સ્કોરથી હારી ગઈ હતી. એ સ્પર્ધામાંથી સાવ આઉટ થઈ હોતી. કારણ કે, કોબ્લોવાએ ફાઈનલમાં પ્રવેશ કર્યો હોવાથી સાક્ષી રીપચેજ રાઉન્ડમાં ગઈ હતી જ્યાં એને કાંસ્ય ચંદ્રક માટેનો મુકાબલો લડવાની તક મળી હતી.
ફાઈનલમાં પહોંચેલા પહેલવાનો સામે હારેલા ખેલાડીઓ રીપચેજ રાઉન્ડમાં આપસમાં લડી શકે છે. એ માટે કાંસ્ય ચંદ્રક અપાય છે.
સાક્ષીએ કાંસ્ય જીતવા બે રીપચેજ મુકાબલા જીતવાના હતા. ત્યારબાદ જ મેડલનો નિર્ણય આવનાર હતો.
સાક્ષી રેપીચેજ રાઉન્ડના પહેલા મુકાબલામાં ગઈ કાલે રાતે 1.00 વાગ્યે કુસ્તી લડી હતી. એ જીત્યા બાદ બીજો, કાંસ્ય ચંદ્રક મુકાબલો રાતે 2.15 વાગ્યે લડી હતી.
એ પહેલાં, સાક્ષીએ પ્રી-ક્વોર્ટર ફાઈનલમાં મોલ્ડોવાની મરિયાના ચેર્ડિવારા ઉપર ટેક્નિકલ જીત મેળવી હતી. ત્રણ રાઉન્ડને અંતે સ્કોર 5-5થી સમાન હતો, પણ સાક્ષીએ એણે બીજા રાઉન્ડમાં આક્રમક કુસ્તી કરતાં એને ટેકનિકલી એને વિજેતા જાહેર કરવામાં આવી હતી.
સાક્ષીએ એ પહેલાંના મુકાબલામાં સ્વીડનની પહેલવાનને પછાડીને પ્રી-ક્વોર્ટરમાં પ્રવેશ કર્યો હતો.
સૌજન્ય : ચિત્રલેખા